તત્ત્વસંદર્ભ
પ્રમોદકુમાર પટેલ
(પાશ્ચાત્ય અને સંસ્કૃત સાહિત્યતત્ત્વચારના અનુવાદ-લેખો)
પશ્ચિમના વિવેચનતત્ત્વ-વિચારકોની વિચારણાના પરિચય-દોહનના લેખો તો આપણા કેટલાક વિવેચકો પાસેથી મળતા રહ્યા છે પરંતુ એ વિચારકોના લેખોના અનુવાદો પ્રમાણમાં ઓછા છે, એમાં પ્રમોદકુમાર પટેલ, આ પુસ્તક દ્વારા, કેટલાક ઉત્તમ અને સંકુલ લેખોના વિશદ અનુવાદો આપે છે એ મહત્ત્વનું છે. અહીં અર્ન્સ્ટ કેસિરરના Problems in Aestheticsના ‘કળા’ નામે કરેલા અનુવાદથી લઈને નાટ્યસર્જક યુજિન આયનેસ્કોના Theatre of Violence નામના રસપ્રદ લેખના ‘રંગભૂમિનો અનુભવ’ નામે કરેલા અનુવાદ સુધી પ્રમોદભાઈનાં રસ-જિજ્ઞાસા પ્રવર્ત્યાં છે. ‘પેરિસ રિવ્યૂ’એ અનેક સર્જકો-વિચારકો સાથેના વિચારણીય ઇન્ટરવ્યૂ પ્રગટ કરેલા. એમાંથી ઓ’કોનરની તથા ફ્રાન્ક મોરિયાની મુલાકાતોના કેટલાક અંશો અનુવાદરૂપે એમણે ઊતાર્યા છે.
પ્રમોદભાઈએ, આ ઉપરાંત, સંસ્કૃત-કાવ્યમીમાંસા વિશેના શ્રીકંઠૈયા, રાઘવન્ અને એસ. કે. ડે.ના અંગ્રેજી લેખોના અનુવાદો પણ આ પુસ્તકમાં મૂક્યા છે.
એ રીતે, ઘણી મૂલ્યવાન તત્ત્વવિચારણાઓને અનુવાદો દ્વારા સુલભ કરી આપતું આ ‘તત્ત્વસંદર્ભ’ (૧૯૯૯) પ્રમોદકુમાર પટેલનું એક મહત્ત્વનું પ્રદાન છે ને જિજ્ઞાસુ અભ્યાસીઓ માટે એ ઘણું ઉપયોગી બનશે.
– રમણ સોની
પ્રમોદકુમાર પટેલ

પ્રમોદકુમાર ભગુભાઈ પટેલ(જ. ૨૦.૯.૧૯૩૩ – અવ. ૨૪.૫.૧૯૯૬) આધુનિક સાહિત્ય અને વિવેચનની, પશ્ચિમી પરંપરાના તેમજ ગુજરાતી અને સંસ્કૃતની વિદ્યાપરંપરાના નિતાન્ત અભ્યાસી રહેલા તત્ત્વનિષ્ઠ વિદ્વાન હતા. ગુજરાતી સાહિત્યના પ્રવાહો, ગ્રંથકારો તેમજ કૃતિઓના ઇતિહાસલક્ષી તેમજ ભાવનલક્ષી વિવેચનમાં પણ એમની કેળવાયેલી સાહિત્યરુચિ સન્નિષ્ઠાથી પ્રવર્તતી રહી.
તેજસ્વી અભ્યાસ-કારકિર્દી મુંબઈ યુનિવર્સિટીમાં ઘડાઈ. બારડોલીમાં ને પછી વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં નિવૃત્તિપર્યંત ગુજરાતી સાહિત્યનું અધ્યાપન કર્યુ. અધ્યાપનકાર્યનાં આરંભનાં વર્ષોમાં જ એમણે, પંડિતયુગ સુધીના વિવેચકોના વિવેચનતત્ત્વવિચારને તપાસતું પીએચ.ડી.નું સંશોધન કર્યું એ પછી એમણે સંસ્કૃતનો ‘રસસિદ્ધાન્ત’, ‘ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા’ જેવા સળંગ સૈદ્ધાન્તિક-ઐતિહાસિક ગ્રંથો આપ્યા. એમના મહત્ત્વના વિવેચન-સંગ્રહો ‘વિભાવના’, ‘કથાવિચાર’, ‘કળા, સાહિત્ય અને વિવેચન’, ‘ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ’ વગેરે પણ એક વિષય-સ્વરૂપ-કેન્દ્રી વિવેચનના નમૂનારૂપ છે. પશ્ચિમના ને સંસ્કૃતના સાહિત્યવિચારકો – કેસિરર, રૅને વેલેક, જહૉન ફ્લેચર, શ્રીકંઠૈયા, વી. રાઘવન, એસ. કે. ડે, વગેરે – ના ઉત્તમ દીર્ઘ લેખોના એમના અનુવાદોનું પુસ્તક ‘તત્ત્વસંદર્ભ’ પણ એમનું મહત્ત્વનું પ્રદાન છે.
આ વિદ્વત્પુરુષે ગુજરાતી કૃતિઓ-કર્તાઓ વિશે લખ્યું છે ત્યાં એમની ભાવનલક્ષી રસવૃત્તિ પણ સુપેરે પ્રગટ થઈ છે – એમના એક લેખનું શીર્ષક છે – ‘ઉશનસ્ની કવિતાના મર્મકોષોમાં’.
સદા નિષ્પક્ષ અને અજાતશત્રુ રહેલા પ્રમોદભાઈ આપણા એક વિરલ વિવેચક અને ઉષ્માભર્યા વ્યક્તિ હતા.
– રમણ સોની