ધ રેવન
ચન્દ્રકાન્ત ટોપીવાળા
કાવ્યરચનાનો અનુવાદ (એડગર એલન પો)
૧૮૪૫માં પ્રગટ થયેલી "ધ રેવન" એડગર એલન પોની અતિશય નીવડેલી કૃતિ છે. આ કૃતિ, કર્તાની પર્યાયવાચી છે એમ કહીયે તો પણ અતિશયોક્તિ કહેવાશે નહીં. આ કવિતા તેની રચનારીતિ, તેના લય અને તેના અતિલૌકિક પાસાને લીધે ખૂબ ધ્યાનાર્હ બની છે.
આ કવિતામાં વિરહી કવિને એક ભેદી આગંતુક સાથે થયેલા અનુભવની વાત છે. આ આગંતુક એકનો એક શબ્દ વારંવાર બોલીને કથકને વધુને વધુ વિતાડે છે અને એના અનુભવને લૌકિક તળમાંથી ખેંચીને એક રોમાંચક, ભયાનક, અને અદ્ભૂત એવા અનુભવમાં બદલી નાખે છે.
પ્રસ્તુત પુસ્તકમાં અનુવાદની સાથે સાથે મૂળ અંગ્રેજી પાઠ પણ આપેલો છે. આપણા સજ્જ સાહિત્યકાર ચન્દ્રકાન્ત ટોપીવાળાએ મૂળ કવિતાની ખૂબ નજીક રહીને આ અનુવાદ કર્યો છે, એ ત્યાં સુધી કે પોએ વાપરેલા લયને આબેહૂબ ગુજરાતીમાં સવૈયાની ચાલ રાખીને નિભાવ્યો છે.
આ કવિતાએ રસિકો, વિવેચકો, તથા અભ્યાસુઓને તો ઘેલું લગાડ્યું જ છે, પણ સાહિત્યેતર ક્ષેત્રોના લોકોને પણ ઘણી પ્રેરણા આપી છે, તેમજ ગોથિક, સુપરનેચરલ, હોરર, ઑમીનસ જેવા ક્ષેત્રોના કલાકારોને નવો ચીલો ચાતરી આપ્યો છે. વ્લાદીમિર નોબોકોવથી માંડીને ૨૧મી સદીની વેબસીરીઝ "વેન્સડે" સુધી આ કવિતાના સંદર્ભો પહોંચ્યા છે, અને આ કવિતા (એના થકી કવિ પોતે) સ્થળ-કાળની પરે પહોંચી ગયા છે.
ચન્દ્રકાન્ત ટોપીવાળા
ડૉ. ચન્દ્રકાન્ત ટોપીવાળા : (જન્મ : ૭ ઓગસ્ટ, ૧૯૩૬) ગુજરાતી સાહિત્ય પરિષદના ક. લા. સ્વાધ્યાય મન્દિરના નિવૃત્ત નિયામક અને ગુજરાતીના અધ્યાપક. અગાઉ તે દાહોદની નવજીવન આર્ટસ્ એન્ડ કોમર્સ કૉલેજના આચાર્યપદે હતા.
તેમણે કવિતા, વિવેચન અને સંપાદન ક્ષેત્રે ગુણવત્તાવાળું કામ કર્યું છે. છેલ્લા બે દાયકાથી વિવેચનક્ષેત્રે જે શક્તિશાળી સાહિત્યકારો કામ કરે છે એમાં ડૉ. ટોપીવાળાનું સ્થાન પહેલી હરોળમાં છે. વિવેચનમાં ભાષાકીય વિશ્લેષણ, શૈલીવિજ્ઞાન, સંરચનાવાદ, સંરચનાવાદોત્તર વિચારણા અને ડિ-કન્સ્ટ્રકશન વ. વિભાવો ગુજરાતીમાં સમજાવવાનું અને એનો પ્રત્યક્ષ સાહિત્યકૃતિઓમાં વિનિયોગ કરવાનું કાર્ય તેમણે કર્યું છે. તેમણે લેખન-કારકિર્દીનો આરંભ કવિતાથી કરેલો. ‘કાન્ત તારી રાણી’, ‘પક્ષીતીર્થ’ વ. તેમના કાવ્યસંગ્રહો પ્રગટ થયેલા છે, પણ તેઓ સવિશેષ વિવેચક તરીકે પ્રસિદ્ધ છે. ‘અપરિચિત અ, અપરિચિત બ’, ‘પ્રતિભાષાનું કવચ’, ‘સંસર્જનાત્મક કાવ્યવિજ્ઞાન’, ‘વિવેચનનો વિભાજિત પટ’, ‘ગ્રંથઘટન’ વ. તેમના વિવેચનગ્રંથો છે. તેમણે અનેક સંપાદનો અને અનુવાદો પણ કર્યા છે. પરિષદ તરફથી પ્રગટ થયેલા ‘ગુજરાતી સાહિત્યકોશ : ભાગ-૨ અને ૩ના મુખ્ય સંપાદક છે.
અનેક સાહિત્યસંસ્થાઓ સાથે તે સંકળાયેલા છે. ભારતીય જ્ઞાનપીઠ, સાહિત્ય અકાદમી, દિલ્હી અને નેશનલ બુક ટ્રસ્ટને તેમની સેવાઓ મળી છે.
—રમણલાલ જોશી
(ગુજરાતી ગ્રંથશ્રેણી-૪૩ ‘સુરેશ જોષી’માંથી સાભાર)