વૈજ્ઞાનિક શબ્દસંગ્રહ

પોપટલાલ ગોવિંદલાલ શાહ

૧૯૩૬માં ભરાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૨મા સંમેલનમાં લેવાયેલા નિર્ણયને આધારે ૧૯૩૭માં ‘કાચા રૂપમાં’[1] ‘વૈજ્ઞાનિક શબ્દસંગ્રહ’ની પહેલી આવૃત્તિ છપાઈ હતી અને તે સંભવત: શ્રી ફાર્બસ ગુજરાતી સભાએ પ્રગટ કરી હતી. ગુજરાત સંશોધન મંડળ અને શ્રી ફાર્બસ ગુજરાતી સભાના સંયુક્ત નેજા હેઠળ છપાયેલું આ ‘પાકું’ સ્વરૂપ એક પ્રવર્તક પ્રયત્ન કહી શકાય. અભ્યસ્ત અને સૈદ્ધાંતિક નિયમો પ્રસ્થાપિત કરતી તેમ જ ગુજરાતી અને અન્ય ભાષાના આ દિશાના પ્રયત્નોનો ઈતિહાસ આપતી પ્રસ્તાવના/ભૂમિકા આ શબ્દસંગ્રહને વિરલ અને મહત્વપૂર્ણ બનાવે છે.

 

[1] ‘વૈજ્ઞાનિક શબ્દસંગ્રહ’, સંયોજક: પોપટલાલ ગોવિંદલાલ શાહ, ગુજરાત સંશોધન મંડળ, મુંબઈ, ૧૯૪૯, પા. ૪૯

પોપટલાલ ગોવિંદલાલ શાહ

પોપટલાલ ગોવિંદલાલ શાહ (૧૮૮૮-૧૯૬૯) ગુજરાતની બહુમુખી પણ અપ્રસિદ્ધ અને વિસ્મૃત પ્રતિભાઓમાંના એક છે. વડોદરામાં જન્મેલા પોપટલાલને મહારાજા સયાજીરાવને હાથે શાળામાં ઇનામ મળેલું. મુંબઈની વિલ્સન કોલેજમાંથી રસાયણશાસ્ત્રની બી.એ. અને એમ. એસસી.ની ઉપાધિઓ મેળવી. નારાયણ વાસુદેવ સ્કોલરશીપ અને જેમ્સ ટેલર પ્રાઈઝથી નવાજિત પોપટલાલ રસાયણશાસ્ત્રના અધ્યાપક તરીકે ૧૯૧૦માં લાહોરની ફોરમેન ક્રિશ્ચિયન કોલેજમાં જોડાયા હતા. ૧૯૧૪માં ઇન્ડીયન ઓડીટ એન્ડ એકાઉન્ટ્સ સર્વિસમાં જોડાયા અને દ્વિભાષી મુંબઈ રાજ્યના એકાઉન્ટન્ટ જનરલ તરીકે ૧૯૪૩માં નિવૃત્ત થયા. ૧૯૩૬માં પોતે જ સ્થાપેલા ગુજરાત સંશોધન મંડળનું (ગુજરાત રિસર્ચ સોસાયટી) નિવૃત્તિના ૨૬ વર્ષમાં જતન કર્યું અને ગુજરાતની આદિવાસી જાતિઓ વિશે સંશોધન કર્યું. આ સંસ્થાના ત્રૈમાસિક સામયિકના (જર્નલ ઓફ ગુજરાત રિસર્ચ સોસાયટી) તેઓ ઘણાં વર્ષો સુધી તંત્રી રહ્યા હતા. તેઓ ૧૯૨૦થી ગુજરાતી સાહિત્ય પરિષદની સાથે જોડાયેલા રહ્યા હતા અને ૧૯૩૬માં વિજ્ઞાન વિભાગના અને ૧૯૬૫માં સમાજવિદ્યા વિભાગના અધ્યક્ષ રહ્યા હતા. ૧૯૩૩માં રવીન્દ્રનાથ ટાગોર મુંબઈ આવેલા ત્યારે તેમને મળીને વૈજ્ઞાનિક શબ્દસંગ્રહ અંગે ચર્ચા કરેલી. ગુજરાત, ગુજરાતીઓ, ગુજરાતી ભાષા, ગુજરાતના આદિવાસીઓના તેઓ હિતચિંતક હતા. તેઓ ગુજરાતી તેમ જ અંગ્રેજીમાં લખતા. તેમના પ્રકાશનોમાં વિજ્ઞાનવિચાર, વિજ્ઞાનવિનોદ, વિજ્ઞાનવિહાર, વૈજ્ઞાનિક શબ્દસંગ્રહ, ટ્રાઇબલ લાઈફ ઓફ ગુજરાત, એથનિક હિસ્ટરી ઓફ ગુજરાત, નાયકાસ-નાયકડાસ: એ ગુજરાત ટ્રાઇબ, વિમુક્ત જાતિઝ: ડીનોટીફાઈડ કમ્યુનીટીઝ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા મુખ્ય કહી શકાય.