દિવ્યચક્ષુ
રમણલાલ વ. દેસાઈ
દિવ્યચક્ષુ (1932) ર.વ.દેસાઈની લોકપ્રિય થયેલી ને સાહિત્યિક ગુણવત્તા પણ ધરાવતી વિશિષ્ટ નવલકથા છે. આ રસપ્રદ નવલકથા આઝાદીની લડતના દિવસોની ભૂમિકામાં હિંસા સામે અહિંસાનો, પ્રેમની તીવ્રતા સાથે જ સ્વાર્પણશીલતાનો, ધર્મનિરપેક્ષતાનો તથા અસ્પૃશ્યતા-ભાવને છોડતી માનવતાનો મહિમા કરે છે.
એમાં પાત્રોનું વૈવિધ્ય ઘણું છે : સ્વાર્થ, રૂઢિવશતા, માલિકીભાવ, હિંસા-ભાવ અને એમાંથી નીકળીને ત્યાગભાવ, ઉદારતા, અહિંસા અને પ્રેમ-સંવેદનમાં પલટાતાં પાત્રોની મોહકતા અને દૃઢતા આકષ7ક બને છે.
આ નવલના રસાળ કથાપ્રવાહમાં આજે પણ વહેવું ગમશે...
રમણલાલ વ. દેસાઈ
રમણલાલ વસંતલાલ દેસાઈ (1892-1954) : એમની નવલકથાઓમાં ગાંધીજીના વિચારો અને પ્રવૃત્તિઓનું ભાવનાશીલ નિરૂપણ કરવાથી 'યુગમૂર્તિ વાર્તાકાર’નું બિરુદ પામેલા — એમની બૃહદ્ નવલકથા 'ગ્રામલક્ષ્મી’ (ભાગ 1થી 4)માં સ્વાતંત્ર્ય-આંદોલનનો એ સમય બરાબર ઝિલાયેલો.
ર. વ. દેસાઈએ અનેક સામાજિક અને ઐતિહાસિક નવલકથાઓ લખી. ઉપરાંત વાર્તાસંગ્રહો આપ્યા, કાવ્યો અને નાટકો લખ્યાં, આત્મકથા અને પ્રવાસકથાઓ લખી, વિવેચન-ચિંતનનાં પુસ્તકો લખ્યાં. વળી, 'અપ્સરા’ નામે, પાંચ ખંડોમાં, ગણિકાઓના જીવનનો વિસ્તૃત અભ્યાસગ્રંથ આપ્યો.
પણ એ ખૂબ લોકપ્રિય થયા તે રાષ્ટ્રીય ભાવનાવાદ સાથે જ આદર્શવાદી નાજુક પ્રેમસંબંધોને આલેખતી રુચિર નવલકથાઓને લીધે. એમનો મુખ્ય યશ નવલકથાકાર તરીકેનો.
ર.વ.દેસાઈ વ્યવસાયે વરિષ્ઠ સરકારી અધિકારી હતા.
(પરિચય - રમણ સોની)